Pages

Monday, 16 January 2017

મરેલાને ખભ્ભો

એક માણસનું મૃત્યુ થયું એટલે એના અંતિમ સંસ્કાર માટે સગાસંબંધી અને મિત્રવર્તૂળ ભેગું થયું. આંખોમાં આંસુની ધાર સાથે સ્મશાનયાત્રા નીકળી.  નનામીને વારાફરતી બધા ખભ્ભો આપી રહ્યા હતા. ખભ્ભો આપવા માટે બધા લોકો ઉત્સુક હતા અને દોડી-દોડીને નનામી પોતાના ખભ્ભા પર લઇ રહ્યા હતા.
એક નાનો બાળક પણ એના પિતા સાથે સ્મશાનયાત્રામાં આવેલો. બાળકે આ જોયું એટલે એને કુતૂહલવશ પિતાને પૂછ્યું, "પપ્પા આ બધા નનામીને ખભ્ભો આપવા માટે પડાપડી કેમ કરે છે ?" પિતાએ કહ્યું, "બેટા, મૃત્યુબાદ માણસના શરીરનું વજન વધી જાય. ભાર ઉપાડવામાં તકલીફ ના પડે એટલે બધા ખભ્ભો આપે.
બીજું એવી પણ માન્યતા છે કે મરેલા માણસની નનામીને ખભ્ભો આપીને એને ઉચકાવામાં મદદ કરવી એ પુણ્યનું કામ છે એટલે પણ બધા ખભ્ભો આપવા આગળ આવે છે."
પિતાની વાત સાંભળીને બાળકને હસવું આવ્યું એટલે પિતાએ હસવાનું કારણ પૂછ્યું. છોકરાએ કહ્યું,
   "મરેલા માણસને ખભ્ભો આપવા બધા સગાવ્હાલાઓ કેવા દોડાદોડી કરે છે. મરેલા માણસનું વજન બધા વચ્ચે થોડું થોડું વહેંચાઈ જાય એ માટે ખભ્ભો આપે છે એવી જ રીતે જીવતા માણસની તકલીફ વખતે એના સગાસંબંધી થોડોથોડો ટેકો આપે તો તકલિફમાંથી એ બિચારો કેવો બહાર આવી જાય!"
મિત્રો, મરેલા માણસને ખભ્ભો આપવો એ ખરેખર પુણ્યનું જ કામ છે પરંતુ જીવતા માણસને મુસીબતમાં ટેકો આપવો એ મહાપૂણ્યનું કામ છે.  જો જીવતા માણસને એની મુશ્કેલીના સમયે પરિવાર અને મિત્રોનો ખભ્ભો મળી જાય તો કેટલાય માણસ બચી જાય અને એની નનામીને ખભ્ભો આપવાનો અવસર જ ના આવે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment