Pages

Friday, 3 March 2017

તારક મહેતા

જન્મની વિગત ૨૬ ડિસેમ્બર ૧૯૨૯
અમદાવાદ, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત ૧ માર્ચ, ૨૦૧૭ (૮૭ વર્ષ)
રાષ્ટ્રીયતા ભારતીય
નાગરીકતા ભારતીય
અભ્યાસ બી.એ., એમ.એ.
વ્યવસાય અધિકારી, લેખક

તારક જનુભાઈ મહેતા ‍‍(૨૬ ડિસેમ્બર ૧૯૨૯ - ૧ માર્ચ ૨૦૧૭) પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૫માં મૅટ્રિક પાસ કર્યા બાદ ૧૯૫૬માં ખાલસા કૉલેજમાંથી શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ.ની પદવી મેળવી હતી.

વ્યવસાય :-

૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી રહ્યા. ૧૯૫૯-૬૦માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી.

સાહિત્ય :-

એમણે ત્રિઅંકી નાટકો નવું આકાશ નવી ધરતી (૧૯૬૪), દુનિયાને ઊંધા ચશ્મા (૧૯૬૫), પ્રહસન કોથળામાંથી બિલાડું (૧૯૬૫) ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ (૧૯૭૮) અને તારક મહેતાનાં છ એકાંકીઓ (૧૯૮૩) આપ્યાં છે.

તારક મહેતાના ઊંધા ચશ્મા (૧૯૮૧), શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (૧૯૮૨), તારક મહેતાનો ટપુડો (૧૯૮૨), તારક મહેતાના ટપુડાનો તરખાટ (૧૯૮૪), દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી ભા. ૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. એક્શન રિપ્લે નામે તેમણે આત્મકથા લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ખૂબ જ ઉલ્લેખનિય છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા :-

હિંદીમાં સબ ટીવી પરથી પ્રસારિત થતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નામની ટી.વી. ધારાવાહિક શ્રેણી ભારે લોકપ્રિય બની છે. પ્રસ્તુત ધારાવાહિક ચિત્રલેખાની ધારાવાહિક 'દુનિયાને ઉંધા ચશ્માં'ના આધારે તૈયાર થઇ છે.

અંગત જીવન :-

તારક મહેતા ૨૦૦૦ની સાલ બાદ અમદાવાદમાં તેમની બીજી પત્નિ ઇંદુ સાથે રહેતા હતા. તેમની પ્રથમ પત્નિ ઇલા જેઓ પછીથી મનોહર જોશી સાથે પરણ્યા હતાં, પણ તેમની બાજુની ઇમારતમાં રહેતા હતા. તેમની પુત્રી ઇશાની યુ.એસ.એ. ખાતે રહે છે.

પારિતોષિક :-

તારકભાઈને ૨૦૧૫માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

No comments:

Post a Comment