Pages

Sunday, 31 January 2016

ભાઈબહેનની બેલડી


       એક કઠિયારો હતો.
       એને એક દીકરો ને એક દીકરી હતાં.
       દૂધમલ દીકરો ને દેવકન્યા જેવી દીકરી.
       બંને વચ્ચે અપાર હેત.
       ભાઈ બહેનથી વિખુટો ન પડે ને બહેન ભાઈથી છૂટી ન થાય.
       થોડાંક વર્ષ વીતી ગયાં.
       કઠિયારાની પત્નીને ખેતરમાં ઓચિંતો સાપ કરડ્યો ને એક જ રાતમાં એનું મરણ થયું.
       ભાઈ ને બહેનના દુઃખનો પાર ન રહ્યો. દિવસ આખી રડ્યાં. રડી રડીને આંખના આંસુ પણ ખુટવાડ્યા.
       ભાઈએ બહેનને દિલાસો દીધો ને બહેને ભાઈને આશ્વાસન આપ્યું.
       પિતા તો ન બોલે કે ન ચાલે.
       બાર દિવસ વહી ગયા.
       તેરમે દહાડે કઠિયારાએ બીજું લગ્ન કર્યું.
       નવી કઠિયારણ ઘરમાં આવી.
       જુવાન ને મિજાજી. તોરી તુમાખીવાળી. દેહે રૂપાળી પણ મનની મનમોજી. આત્મા ને મન એટલાં રૂપાળાં નહિ.
       ભાઈ ને બહેન ઉપર એની જોહુકમી શરૂ થઈ ગઈ. વાતવાતમાં ચડભડ ને ગુસ્સો. વાતવાતમાં વાંધા ને તાંતા. ન ભાઈનું કામ એને ગમે ન બહેનના કામમાં એને ભલીવાર લાગે.
       ભાઈ ને બહેન કાળજી ઘણીયે રાખે, કામ ઘણુંય સારું કરે, પણ સાવકી માના મનમાં એ ન વસે.
       છતાં ભાઈ ને બહેન સમસમીને રહી જાય. તનમાં તો ઘણીય અકળામણ થાય પણ કહેવી કોને ? બાપ તો સાવકી માના ગુલામ જેવો હતો.
       એમ કરતાં સાવકી માએ ભાઈબહેનને ઘરમાંથી તગડી મૂકવાની એક યુક્તિ કરી.
       ધણીને વાત કરી. ‘આ છોકરાંથી હું કંટાળી ગઈ છું. એમને આ ઘરમાંથી કાઢી મુકો.’
       અને એણે તો ખરેખરું રૂસણું લીધું. ન વાળ હોળ્યા, ન સ્નાન કર્યું, ન રાંધ્યું, ન જમી.
       ઘરમાં કંકાસ કંકાસ કરી મૂક્યો.
       ધણીને આખરે વશ થયે જ છૂટકો થયો.
       એણે દીકરાને ને દીકરીને મામાને ઘેર લઈ જવાની લાલચ આપી.
       ભાઈ ને બહેન હરખી ઊઠ્યાં. જો કે ભાઈ મોટો હતો. થોડો બુદ્ધિશાળી હતો. એને બાપની વાતમાં શંકા આવી. પણ બહેને એ શંકાને હસી કાઢી.
       ભાઈને બહેન બાપની સાથે ચાલી નીકળ્યાં.
       બાપે ભાતું લીધેલું.
       દીકરાએ કપડાંની થેલી જોડે નાનકડી કુહાડી લીધેલી.
       બહેને તો માત્ર કપડાં જ લીધેલાં.
       રસ્તો જંગલમાંથી પસાર થતો.
       વિકટ ઝાડી શરૂ થઈ.
       એક જંગી ઝાડ આવ્યું. પિતાએ દીકરાને ને દીકરીને ત્યાં બેસાડ્યાં. પાસે ભાતાની પોટલી મૂકી ને કહ્યું, ‘તમે બંને અહીં બેસો ને ભાતું ખાતાં થાઓ. હું પાણી લઈને આવું છું.’
       બાપ પાણી લેવા ગયા તે ગયા જ.
       પાછા ફર્યા જ નહિ.
       ભાઈને ખરેખરી તરસ લાગી.
       એ ઊભો થયો.
       બહેન પણ ઊભી થઈ.
       જંગલ આખું ઘૂમી વળ્યાં.
       ક્યાંય બાપનો પત્તો ન ખાધો.
       ભાઈએ કહ્યું, ‘હું નહોતો કહેતો ! આ નવી માના જ કારસ્તાન !
       બહેને કહ્યું, ‘ભાઈ ! કોઈનો વાંક ન કાઢીએ. વાંક આપણા નસીબનો જ. એમ ન હોય તો આપણી બા ગુજરી જ શું કામ જાત ?’
       ભાઈ કશું ન બોલ્યો.
       થોડીવાર મૂંગાં મૂંગાં ચાલ્યા કર્યું.
       પછી એણે કહ્યું, ‘બહેન ! રાત પડવા આવી છે. તું અહીં બેસ. હું મારી કુહાડીથી થોડાં લાકડાં કાપી લાવું છું. હિંસક પ્રાણીઓનો ભય છે. આપણે તાપણું પેટાવીશું.’
       બહેનની આંખમાં આંસુ આવ્યાં. ગમે તેવી તોયે છોકરીની જાત. જરા ડર ખાઈ ગઈ.
       ભાઈએ કહ્યું, ‘બહેન ! રડ નહિ. મને ખાતરી જ હતી કે બા આપણી આ વલે કરશે. પણ મેં બાની બાજી ઊંધી વાળી છે.’
       બહેન જરા આનંદમાં આવી. એણે પુછ્યું, ‘કઈ રીતે ?’
       ભાઈ બોલ્યો, ‘ઘેરથી નીકળતી વખતે જ મેં શંખજીરુની એક પોટલી લઈ લીધી હતી. એની નીચે કાણું કરી મૂક્યું હતું. બાપા આપણને જે રસ્તે અહીં લાવ્યા તે આખાયે રસ્તા ઉપર એની નિશાની થઈ ગઈ છે. રાત આટલી સુખેદુઃખે કાઢી કાઢ ; સવારે તો શંખજીરુના માર્ગે ઘેર પહોંચી જઈશું.’
       ગમે તેમ પણ બહેનને એથી બહુ આનંદ ન થયો. ઘેર જઈનેય પાછા પનારે પડવાનું તો અપર માને જ ને ! એ કશું ન બોલી.
       રાત પડી.
       જંગલની રાત.
       કારમી ને ભયંકર.
       જંગલી જનાવરોની ચીસો સંભળાવા લાગી.
       બહેન ઘડીએ ઘડીએ જાગી જાય ને છળી ઊઠે. ભાઈ એનો ડર ઓછો કરે.
       ભાઈ હરખાયો. કહે, ચાલ બહેન ! જો મારા શંખજીરુનો રસ્તો દેખાય. આપણે ઘેર પહોંચી જઈએ. પણ ભાઈબહેનથી ખરેખર ઘેર પહોંચી શકાયું નહિ.  એકદમ ઓચિંતા આકાશમાં વાદળ ધસી આવ્યાં. જોસથી પવન ફૂંકાવા લાગ્યો. પેલું શંખજીરું ઊડવા લાગ્યું. બાકી હતું તે વરસાદ પડ્યો. શંખજીરુ દબાઈ ગયું.
       ભાઈ હવે સાવ હિંમત ગુમાવી બેઠો.
       બહેને પોતાના મન ઉપર કાબુ મેળવ્યો. એણે ભાઈને ધીરજ આપી.
       જ્યાં જવાય ત્યાં ખરું એમ માની બંને જણ એકમેકને સહારે જંગલમાં ચાલી નીકળ્યાં.
       ચાલતાં ચાલતાં ક્યાંય દૂરના દૂર નીકળી ગયાં.
       એમ કરતાં ભાઈને તરસ લાગી.
       બહેન સાથે એણે તળાવની શોધ કરી.
       દૂર એક તળાવ દેખાયું. ભાઈ આનંદમાં આવી ગયો.
       બંને જણ ત્યાં પહોંચી ગયાં. ભાઈએ દોડીને પાણી પીવા તળાવમાં બેસી જઈ પાણીનો ખોબો ભર્યો.
       તરત બહેનની નજર એક પાટિયા ઉપર પડી. એણે એ વાંચ્યું ને ભાઈને વાર્યો. કહ્યું, ‘ભાઈ ! પાણી ન પીશ.’
       ભાઈએ કહ્યું, ‘કેમ ?’
       બહેને કહ્યું, ‘વાંચ આ પાટિયું.’
       ભાઈએ પાટિયું વાંચ્યું.
       એમાં લખ્યું હતું :
                           “રીંછોનું આ તળાવ છે.
                           આનું પાણી પીશે એ
                           રીંછ બની જશે.”
       ભાઈબહેન આગળ ચાલ્યાં.
       બીજું તળાવ આવ્યું.
       ભાઈએ પાણી પીવા તૈયારી કરી.
       બહેને આજુબાજુ નજર કરી તો ત્યાં પણ એવું જ પાટિયું.
       એમાં લખ્યું હતું :
                           “વરુઓનું આ તળાવ છે.
                           આનું પાણી પીશે એ
                           વરુ બની જશે.”
       ભાઈબહેન આગળ ચાલ્યાં.
       ભાઈની તરસ વધતી ગઈ.
       ત્રીજું તળાવ આવ્યું.
       ત્યાં પણ પાટિયું.
તેમાં પણ લખેલું :
                           “હરણોનું આ તળાવ છે.
                           આનું પાણી પીશે એ
                           હરણ બની જશે.”
       ભાઈથી ન રહેવાયું, એ આગળ તો ચાલ્યો પણ ‘પોટલું રહી ગયું’નું બહાનું કાઢી બહેનને બેસાડી પેલા તળાવે પાછો આવ્યો ને એમાનું પાણી પીધું.
તરત એ હરણ બની ગયો.
થાય શું ?
છતાં એની બહેન માટેની લાગણી એવી ને એવી રહી. એ બહેન તરફ દોડ્યો.
બહેનને શી ખબર કે એ હરણ એ એનો જ ભાઈ હશે ! એ તો હરણથી ભડકી ને જાય નાઠી.
પરિણામ એ આવ્યું કે સામે જ એક પારધીની જાળ હતી તેમાં એ ફસાઈ ગઈ.
હરણ એ જોયું ને એની આંખમાંથી ડળક ડળક આંસુ ખર્યાં.
જાળમાં ફસાયેલી બહેને એ આંસુ જોયાં ને એકદમ એના ખ્યાલમાં આવી ગયું કે ભાઈએ પેલા તળાવનું પાણી પીધું હશે ને એથી એ હરણ બની ગયો હશે.
ઘડીભર એ જાળમાં ફસાયાનું દુઃખ વીસરી ગઈ ને ભાઈ હરણ બની ગયો હતો એથી દુઃખી થઈ. એની આંખમાં પણ આંસુ ભરાઈ આવ્યાં.
હરણ બનેલા ભાઈએ જાળને તોડવા ઘણો પ્રયત્ન કર્યો પણ એમાં એને સફળતા ન મળી.
થાકીને એણે જાળ સાથે બહેનને ઊંચકી લીધી ને દોડવા માંડ્યું.
બન્યું એવું કે પાસેના પ્રદેશનો રાજકુમાર એના માણસો સાથે ત્યાં શિકારે આવ્યો હતો.
રથમાં બેઠો છે, માણસો શિકાર કરે છે, ને એની નજર પેલા જાળ સાથે દોડતા હરણ તરફ ગઈ.
કોણ જાણે શાથી પણ એના હૈયામાં દયા ઊભરાઈ ને એણે એના માણસોને હુકમ કર્યો, ‘પેલા હરણને જીવતું પકડી લાવો. જોજો એને ઈજા ન કરતાં.’
માણસો હરણને પકડી લાવ્યા. સાથે પેલી જાળ પણ હતી.
રાજકુમારે પેલી જાળમાંથી છોકરીને જોઈ.
રૂપાળી તો હતી જ.
એણે જાળ તોડાવી નાંખી ને છોકરીને પોતાની જોડે રથમાં બેસાડી.
છોકરીએ કહ્યું, ‘આ હરણને પણ લઈ લો.’
માણસોએ હરણને પણ લઈ લીધું.
રાજકુમારે ઘેર આવીને એ છોકરી સાથે લગ્ન કર્યાં.
બહેન હવે રાજરાણી બની.
એણે હરણ બનેલા ભાઈને પાસે જ રાખ્યો ને એને હરવા – ફરવા રાજકુમારને કહીને એક ખાસ બગીચો બંધાવ્યો.
બગીચામાં કુવો કરાવ્યો.
કુવામાં પાણી તો આવ્યું પણ દૂધિયું પાણી. દુધ જ જોઈ લો.
થોડોક સમય વહી ગયો.
રાજ્યની એક દાસી હતી. કુડકપટથી ભરેલી. કુદરતને કરવું તે એના રૂપરંગ આ રાણી બનેલી બહેનને આબેહુબ મળતાં હતાં.
દાસીના મનમાં એક દુષ્ટ વિચાર આવ્યો. કોઈ રીતે રાણીનું કાસળ કાઢ્યું હોય તો પોતે જરૂર રાણી બની જાય.
એણે તો રાણી બનેલી બહેન જોડે બહેનપણા બાંધ્યાં.
ભલા માણસોને દુષ્ટ લોકોની જાળ જલદી નથી દેખાતી.
બહેને તો મોકળા મને બધી વાતો કરી.
એમ કરતાં લાગ જોઈ દાસીએ પોતાનું પોત પ્રકાશ્યું.
રાણી બનેલી  બહેન બાગમાં હરણ સાથે બેસીને ગેલ કરતી હતી અને હજુ પણ હરણ બનેલા ભાઈનો છુટકારો નહોતો થયો એથી ઢીંચણમાં માથું નાંખી રડવામાં મગ્ન હતી ત્યાં પાછળથી પેલી દાસી પ્રવેશી.
દાસી પાસે એક જાદુઈ પિન હતી. જઈને એણે રાણી બનેલી બહેનના માથામાં એ ખોસી દીધી.
હરણે આ જોયું પણ એ મોડો પડ્યો.
પિનની અસર થઈને રાણી બનેલી બહેન એની જાદુઈ ઊંઘમાં પડી ગઈ.
દાસીએ ચપોચપ રાણીના કપડાં ઉતારી લીધા ને પોતે પહેરી લીધાં. પોતાના કપડાં રાણીને પહેરાવી દીધા ને એના ઊંઘતા શરીરને પેલા દૂધિયા પાણીવાળા કૂવામાં ફેંકી દીધું.
રાણી બનેલી દાસી રાજ્યમાં ગઈ.
રાજકુમારને કશી ખબર ન પડી.
હરણ મૂંઝાવા લાગ્યું. ઉપાય સૂઝતો નહોતો. બોલતું હોત તો રાજકુમારને સાચી હકીકત એ જરૂર જણાવી દેત.
રાણી બનેલી દાસીએ આ જોયું હવે હરણનું પણ કાસળ કાઢવા એ તૈયાર
રાજકુમાર પાસેથી એણે આજ્ઞા લઈ લીધી. એણે દલીલ કરી, કોણ જાણે કેમ પણ આ હરણ દહાડે દહાડે સુકાતું જાય છે. એન ભયંકર રોગ લાગુ પડ્યો છે.  વૈદ કહે છે એનો ઉપાય નથી એ રિબાઈ રિબાઈને મરે એના કરતાં એને આપણે જ મારી નાખીએ તો વધુ સારું.’       
    રાજકુમારની સંમતી મળી ચૂકી. દાસીએ તરત જ માણસોને કહી દીધું, આજે ને આજે હરણને પુરૂ કરી દો.’ રાજકુમાર અકસ્માતે જ બાગમાં ફરતો હતો ને એ જ વેળા માણસો પેલા હરણને પકડવા મથવા લાગ્યા.
હરણે કેવીએ દયામણી નજરે રાજકુમાર ભણી જોયું. પણ રાજકુમાર એની વાત ન સમજ્યો.
માણસો હરણની લગોલગ આવી પહોંચ્યા.
હરણને બચવાનો ઉપાય ન દેખાયો.
આંધળુકિયાં કરી હરણે પેલા દૂધિયા પાણીવાળા કુવામાંની અંદર ઝંપલાવ્યું.
માણસો હાથ ઘસતા રહી ગયા.
એક મોટો ધબાકો થયો ને હરણના પ્રાણ નીકળી ગયા.
પણ એ સાથે જ એક ચમત્કાર થયો.
કૂવામાં હરણ જે જગ્યાએ પડ્યું હતું ત્યાંથી કોઈ માણસની હોય એવી ચીસ સંભળાઈ.
રાજકુમારે કુવામાં જોયું. માણસોએ કુવામાં જોયું. જોયું ને જાણ્યું કે એમાં કોઈ યુવાન હતો.
એને બહાર કાઢો.
એ રાજકુમારના પગે પડ્યો ને તેણે જણાવ્યું, ‘મહારાજ ! હું પેલું હરણ છું. મારે આપને ખાનગી વાત કરવી છે.’
રાજકુમાર અચંબામાં પડી ગયો. પછી બોલ્યો, ‘ભલે.’
એણે માણસોને જરા દૂર ધકેલ્યા.
પેલો યુવાન તે બહેનનો ભાઈ જ હતો. કૂવામાં પડવાથી એની હરણઅવસ્થા ચાલી જાય એવો એ દૂધિયા પાણીનો ગુણ હતો. હરણની અવસ્થામાં દાસીએ કરેલું કારસ્તાન એણે જે રીતે નજરે જોયું હતું એ બધું રાજકુમારને જણાવી દીધું.
રાજકુમારે ખાતરી કરવા માણસોને કૂવામાં ઉતાર્યા તો અંદરથી રાણીનું અચેતન શરીર મળી આવ્યું.
રાજકુમારને ભાઈની વાતમાં વિશ્વાસ બેઠો.
એણે દાસીને તરત પકડી મંગાવી.
દાસીએ સાચી હકીકત કબુલી.
રાજકુમારે એને દેશનિકાલ કરી.
પણ પેલી પિનની વાત ભાઈ ભૂલી ગયેલો.
રાણી મળી તો આવી પણ કોઈ રીતે એ ભાનમાં આવતી નથી.
વૈદો ઉપચાર કરી કરીને થાકે છે.
રાજકુમાર આખરે કંટાળ્યો.
રાણીના શરીરને મરેલું માની અગ્નિ – સંસ્કાર ક્રિયા કરવા તૈયાર થયો.
ભવ્ય સ્મશાનયાત્રા નીકળી.
આખું નગર એમાં જોડાયું.
સૌથી વધુ શોક ભાઈને હતો. એને ખરેખર તો ખાતરી હતી કે બહેન મરી ગઈ નથી પણ એની વાત કોઈ માનતું નથી.
સૌ સ્મશાને આવ્યાં.
ચંદનકાષ્ઠની ચિતા ખડકાઈ.
રાણીનો દેહ ચંદનકાષ્ઠની ચિતા ઉપર મૂકવામાં આવ્યો.
રાજકુમાર ચોધાર આંસુએ રડી પડ્યો.
ભાઈથી ન રહેવાયું. એ દોડીને પેલી ચિતા પાસે પહોંચી ગયો. એણે કહ્યું, ‘મને પણ મારી બહેન ભેગો મારવા દો.’
પણ જીવતા માણસને એમ તે મરવા દેવાય ? એને આઘો હડસેલવામાં આવ્યો.
ભાઈ બેબાકળો બની ફરીથી ત્યાં ધસી ગયો. રાજકુમાર શૂન્ય બની કેવાય શોકમાં ડૂબી ત્યાં જડ જેવો ઊભો હતો.
ભાઈએ માગણી કરી, ‘મારી બહેનને તમારે સળગાવી મુકવી જ હોય તો ભલે સળગાવી મુકો, પણ એનાં સંભારણાં તરીકે એકાદ ચીજ મને લઈ લેવા દો.’
સૌએ કહ્યું, ‘ભલે, ભાઈનો જીવ છે, એટલી છૂટ આપો.’
બહેનના અંગ ઉપરથી આભૂષણો તો ઉતારી લેવાયેલાં, પણ પેલી પિન રહી ગયેલી.
ભાઈએ તો ચપ લઈને બહેનના માથામાંથી એ પિન ખેંચી કાઢી.
પણ ત્યાં તો ચમત્કાર થયો. એ જાદુઈ પિન હતી. દાસીએ એ વડે તો રાણીને ઊંઘાડી અચેતન બનાવી દીધી હતી. પિન ખેંચાઈ ગઈ એટલે રાણી જાગી ઊઠી.
સૌના આનંદનો પાર ન રહ્યો.
ભાઈ તો રાજીનો રેડ થઈ ગયો.
રાજકુમાર પણ આનંદમાં આવી ગયો. એણે રાણીને ચિતા ઉપરથી હેઠી ઉતારી.
રાજકુમાર, રાણી ને ભાઈ રથમાં બેઠાં.
ફરી પાછું સરઘસ રચારી ગયું. સૌ ઘરે આવ્યાં.

ખાધું, પીધું ને મજા કરી.

No comments:

Post a Comment