Pages

Tuesday, 26 January 2016

ચાર સાર

સંપાદક :- વાળા પ્રતિક

       વરસો પહેલાની આ વાત છે, જ્યારે લોકો વેપાર કરવા માટે દેશ – પરદેશમાં જતા હતા. અને પરદેશમાં વરસો સુધી રોકાઈને અને ઘણું બધું ધન કમાઈને પરત આવતા હતા.
       એવા જ એક શેઠ વેપાર કરવા માટે પરદેશમાં જવાના હતા. અને તે જતા જતા પોતાના નગરના રાજાને મળવા ગયા. અને તેમને કહ્યું કે, “હું પરદેશમાં વેપાર કરવા માટે જાઉં છું તો શું આપે ત્યાંથી કશું મંગાવવું છે ?”
       રાજાએ કહ્યું, “હા, હું ઘણા સમયથી ‘ચાર સાર (ઉપદેશ)’ની શોધમાં છું. પણ મને ક્યાંય મળ્યા નહીં. જો તમને પરદેશમાં એ મળે તો મારા માટે લેતા આવજો.”
       શેઠે તો સાર લાવી આપવાની હા પાડી અને રાજાની રજા લઈ દરિયા પાર વેપાર કરવા ચાલ્યા ગયા. શેઠે વરસો સુધી પરદેશમાં વેપાર કર્યો અને ‘ચાર સાર’ની પણ ઘણી શોધ કરી. છેવટે તેને એક ગણિકા પાસે એ મળ્યા. પણ ગણિકાએ સાર આપતી વખતે શેઠ પાસે બે શરત મૂકી.
         ૧. જેણે એ સાર મગાવ્યા છે તેણે જ તે વાંચવાના.
       ૨. ચારેય સાર એક સાથે નહિ વાંચવાના, પણ જ્યારે તે યાદ આવે ત્યારે જ વાંચવાના.
       શેઠે તો બંને શરત કબુલી લીધી. અને જ્યારે પોતાના વતનમાં પરત આવ્યા ત્યારે ચારેય સાર રાજાને આપી દીધા. અને શરત પણ કહી કે, “જ્યારે સાર યાદ આવે ત્યારે જ તેમાંથી એક સાર વાંચવાનો.”
       રાજાએ તો સાર લઈ લીધા અને શેઠને ઇનામ આપી રવાના કર્યા. શેઠે ચારે ચાર સારને પોતાની પાસે એક નાની કપડાની થેલીમાં સાચવીને મુકી દીધા. અને પછી રાજના કામોમાં પરોવાઈ ગયા. અને સાંજે જમ્યા પછી એને અચાનક સાર યાદ આવ્યા. અને રાજાએ વિચાર્યું કે મેં અત્યારે અનાયાસ જ સાર યાદ કર્યા છે તો લાવને એક સાર વાંચી જોઉં. અને રાજાએ પેલી થેલીમાંથી પહેલો સાર વાંચ્યો,
       “જાગતા સુવું.”
       સાર વાંચીને રાજા તો વિચારમાં પડ્યો. એને થયું કે આ સારનો વળી શું અર્થ થતો હશે ? પણ પછી એને કંઇક મગજમાં આવ્યું અને તેણે સિપાહીઓને હુકમ કર્યો કે આજે મારી પથારી મહેલના આંગણામાં કરો અને મહેલના સિપાહીઓએ કોઈ પહેરો કરવાની જરૂર નથી. અને એ પ્રમાણે એની પથારી કરવામાં આવી. અને રાત્રે રાજા એકલો મહેલના વિશાળ મેદાનમાં પથારી પાથરીને સુતો. પરંતુ પોતે ઉંઘી ન ગયો. પણ જાગતો સુતો.
       બરાબર અડધી રાતના સમયે રાજાને કોઈના રડવાનો અવાજ સંભળાયો. રાજાએ ધ્યાનથી સાંભળ્યું તો કોઈ સ્ત્રીઓના રડવાનો અવાજ હતો. અને તે સ્ત્રીઓ રાજાના નામના મરશિયા ગાઈ ગાઈને રડતી હતી. રાજા તો અવાચક બની ગયો. તેણે પોતાની તલવાર હાથમાં લીધી અને અવાજની દિશામાં દોટ મુકી. અને દોડીને જેવો એ નગરના મુખ્ય માર્ગ પર આવ્યો કે તેણે બે સ્ત્રીઓને કાળા વસ્ત્રો પહેરીને રાજાના નામના મરશિયા ગાતી જોઈ. રાજાએ તે બંને સ્ત્રીઓને રોકી અને કહ્યું, “ઉભા રહો. તમે કોણ છો ? અને આમ અડધી રાતે મારા નામના મરશિયા કેમ ગાઓ છો ? હું તો હજુ જીવું છું. તો પછી મારા મરશિયા ગાવાનું કાંઈ કારણ ?”
       પેલી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીએ પોતાનું રડવાનું અટકાવીને જવાબ આપ્યો, “રાજન અમે સ્વર્ગની અપ્સરાઓ છીએ. અને અમને જાણવા મળ્યું છે કે આવતીકાલે તારું મૃત્યુ થવાનું છે. અને તું ખુબ જ દયાળુ અને પરોપકારી રાજા છે એટલે તારા માટે અમે રડીએ છીએ.”
       “પણ મારું મોત કઈ રીતે ?”
       અપ્સરાએ કહ્યું, “આવતીકાલે રાત્રે નાગરાજ આવશે અને તું જ્યારે પથારીમાં સુતો હોઈશ ત્યારે તને દંશ મારશે. અને તારું મૃત્યુ થશે.”
       પોતાની વાત પુરી કરીને અપ્સરાઓ ચાલી ગઈ. અને રાજા ખુબ વિચારમાં પડી ગયો. પછી અચાનક તેને સાર યાદ આવ્યા અને તેણે બીજો સાર વાંચ્યો.
       “વેરીને હંમેશા માન આપવું.”
       સાર વાંચતાની સાથે જ રાજાને પોતાની સમસ્યાનો ઉકેલ મળી ગયો. અને પાછો મહેલમાં આવીને સુઈ ગયો.
       બીજા દિવસે રાજાએ પોતાના સિપાહીઓને નગરના દરેક માર્ગો પર સુગંધિત ફુલો પાથરવાનો હુકમ કરી દીધો. અને નગરના તમામ રાજમાર્ગો પર સુગંધિત અત્તર છંટાવી દીધા. અને સિપાહીઓને રાત્રી પહેરો કરવાની મનાઈ ફરમાવી દીધી.
       અડધી રાતનો સમય થયો એટલે નાગરાજ પાતાળમાંથી આવ્યા. નગરના રાજમાર્ગો પર ફુલોની પથારી કરવામાં આવી હતી એટલે એમને નગર સુધી આવવામાં કોઈ તકલીફ ન પડી. જેવા તે મહેલમાં પ્રવેશ્યા કે તેમણે જોયું કે રાજા મહેલના આંગણામાં ઢોલિયા પર સુતો છે. અને જેવા તે ઢોલિયા પર ચડવા માટે પહેલા પાયા પાસે આવ્યા તો ત્યાં એક કુંડમાં દુધ ભરેલું હતું. નાગરાજે તે કુંડમાંથી દુધ પીધું. દુધમાં સાકર ભેળવવામાં આવી હતી. અને એટલે દુધ ખુબ જ મીઠું હતું. નાગરાજ બીજા પાયા પાસે ગયા તો ત્યાં પણ એ જ રીતે દુધ ભરેલ કુંડ હતું. નાગરાજે ત્યાં પણ મીઠું મધ જેવું દુધ પીધું. અને એમ એક પછી એક ચારેય પાયે દુધ પીધું. અને નાગરાજ રાજાની આ સેવાથી ખુબ ખુશ થયા અને પોતે રાજાને દંશ દેવાને બદલે પાછા જવા લાગ્યા. બરાબર એ જ સમયે રાજા જે અત્યાર સુધી પથારીમાં પડ્યો પડ્યો બધું જોતો હતો તે ઉભો થયો અને નાગરાજને રોકીને બોલ્યો, “નાગરાજ ! તમારે મને દંશ નથી દેવો ?”
       નાગરાજ આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યા, “રાજન ! તો શું તમને ખબર હતી કે હું આવવાનો છું ?”
       “હા, નાગરાજ. અને તમારા માટે જ તો મેં નગરના તમામ માર્ગો પર ફુલોની પથારી કરાવી હતી અને આ સ્વાદિષ્ટ દુધ પણ તમારા માટે જ તો હતું.”
       “હે રાજન ! તમે જાણતા હતા કે હું તમને મારવા માટે આવું છું. છતાં તમે મારી આટલી બધી આગતાસ્વાગતા કરી ? વાહ ! હું તમારા પર ખુબ પ્રસન્ન છું. હું તમને હવે મારીશ નહિ પણ તમે માગો તે વરદાન આપીશ. માગો.”
       “નાગરાજ ! મારે બે વરદાન જોઈએ છે કે હું પશુપક્ષીઓની ભાષા સમજી શકું અને માણસ મૃત્યુ પામે પછી તેની સાથે સ્વર્ગ કે નર્કમાં શું થાય છે તે હું જાણી શકું.”
       “ભલે, જેવી તમારી ઈચ્છા. પરંતુ એક વાત યાદ રાખજો. તમારે આ વરદાન વિષે ક્યારેય કોઈને કહેવાનું નહિ. અને જો તમે કોઈ કહેશો તો તે જ સમયે તમારું મૃત્યુ થઇ જશે.”
       “ભલે, નાગરાજ. હું આ વરદાનનું રહસ્ય ક્યારેય કોઈને નહિ કહું.”
       આટલી વાત કરી નાગરાજ ત્યાંથી ચાલ્યા ગયા.
       થોડા દિવસ થયા અને નગરમાં ભવાઈનો ખેલ કરવા માટે ભવાયા આવ્યા હતા. અને રાજાની કુંવરીને ભવાઈ જોવા જવાની ખુબ જ ઈચ્છા હતી. પણ રાજાની કુંવરીને અડધી રાત્રે કોઈ જવા ન દે. એટલે તે પોતાની માની રજા લઈને પુરુષવેશ ધારણ કરીને ભવાઈનો ખેલ જોવા ગઈ. અને પાછી આવી ત્યારે તેને ખુબ જ ઊંઘ આવતી હતી એટલે પોતાની માની બાજુમાં પુરુષવેશમાં જ સુઈ ગઈ. રાજા અડધી રાત્રે નગરચર્ચા જાણવા ગયા હતા તે જ્યારે પરત આવ્યા તો એણે પોતાની રાણીની બાજુમાં કોઈ અજાણ્યા પુરુષને સુતેલો જોયો. અને તેને ખુબ જ ગુસ્સો આવ્યો. રાજાએ તરત જ પોતાની તલવાર મ્યાનમાંથી કાઢી અને જેવો એ ઘા કરવા જતો હતો કે તેને પેલા સાર યાદ આવ્યા. અને રાજાએ તરત જ પોતાની પાસે રહેલી પેલી થેલીમાંથી ત્રીજો સાર કાઢીને વાંચ્યો.
       “જોઈ, જાણી અને સમજી વિચારીને જ નિર્ણય લેવો.”
       રાજાને એ સાર સમજાઈ ગયો અને તેણે પોતાની રાણીને ઉઠાડી. અને એને પુછ્યું કે, “આ કોણ છે ?”
       રાણીએ કહ્યું, “અરે, આ તો આપણી કુંવરી છે. તે ભવાઈનો ખેલ જોવા માટે પુરુષવેશમાં ગઈ હતી.”
       એ વાત સાંભળીને રાજાએ નિરાંતનો શ્વાસ લીધો.
       રાજાને અનેક રાણીઓ હતી. એમાંથી જે મોટી રાણી હતી એના પિતાનું વૃદ્ધ વયે અવસાન થયું. અને નાગરાજના વરદાન પ્રમાણે રાજાને દેખાતું હતું કે તે રાણીના પિતાને યમદુતો નર્કમાં લઈ ગયા હતા અને તેને નર્કમાં જુદા જુદા પ્રકારની સજા દેવામાં આવતી હતી. જે જોઈને રાજાને ખુબ જ દુઃખ થતું હતું. અને એટલે રાજા ખુબ જ રડતો હતો. રાણીના પિતાનું મૃત્યુ મોટી ઉમરે થયું હતું એટલે બાકી બધા લોકો છાના રહી ગયા પરંતુ રાજા કોઇપણ રીતે છાના રહેતા ન હતા.
       થોડા દિવસ થયા અને નાની રાણીના વીસ વર્ષની ઉમરના ભાઈનું અવસાન થયું. અને એટલે બધા સગા સંબંધીઓ ખુબ જ રડતા હતા જ્યારે રાજા તો રડવાને બદલે હસતા હતા કારણ કે રાણીના ભાઈને મૃત્યુ બાદ સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો હતો અને તેને ત્યાં ખુબ સારી રીતે રાખવામાં આવતો હતો. એટલે રાજા રડવાને બદલે ખુશ થતા હતા.
       આ જોઈને નાની રાણીને રીસ ચડી. અને તેણે રાજાના આવા વર્તનનું કારણ પુછ્યું. પણ રાજાએ વાતને ટાળી દીધી. થોડા દિવસ થયા અને રાણીએ વારંવાર એ રહસ્ય જાણવા પ્રયત્ન કર્યા. પણ રાજાએ કશું કહ્યું નહી. આખરે રાણીએ રહસ્ય જાણવા માટે અન્ન જળનો ત્યાગ કર્યો. એક દિવસ, બે દિવસ એમ કરતા કરતા દસ દસ દિવસ નીકળી ગયા. તો પણ રાણીએ પોતાની હઠ છોડી નહીં. આખરે રાજાએ મનમાં નક્કી કર્યું કે હવે રાણીને બચાવવા મારે રહસ્ય કહેવું જ પડશે. અને તે જાણતો હતો કે જો તે રહસ્ય કહેશે તો નાગરાજના કહેવા પ્રમાણે રહસ્ય કહેતાની સાથે જ તેનું મૃત્યુ થઇ જશે. આથી પોતે રાણીની હઠ સામે હારીને નક્કી કર્યું કે પોતે રાણીને લઈને ગંગાકાંઠે જશે અને ત્યાં જઈને રાણીને પોતાનું રહસ્ય કહેશે અને ગંગા નદીમાં જ પોતાના શરીરને ડુબાડી દેશે.
       રાજાએ એક વેલડું તૈયાર કરાવ્યું અને રાણીને લઈને ચાલી નીકળ્યા.
       વેલડું લઈને જ્યારે રાજા – રાણી જતા હતા ત્યારે રસ્તામાં તેઓ આરામ કરવા રોકાયા. ત્યાં બાજુમાં જ એક કુવો હતો અને એ કુવાના કાંઠે બકરીઓ ચરતી હતી.
એમાં એક બકરીએ બોક્ડાને કહ્યું, “એ બોકડા, મને આ કુવાની કાંઠા અંદર ઉગેલા પીપળાના કુણા કુણા પાન લાવી દે ને. મને એ ખાવાનું બહુ જ મન થયું છે.”
બોકડાએ કહ્યું, “અરે એ પાન હું લેવા જાઉં અને જો મારો પગ લપસે તો હું તો સીધો કુવામાં જ પડું ને ? એ તો રાજા એવો મુરખો છે કે એક રાણીનો જીવ બચાવવા પોતે મારવા હાલી નીકળ્યો છે. પણ હું કંઈ એવો મુરખ નથી. તારે પાન ખાવા હોય તો તું લેવા જા. હું તો નથી જવાનો. હું કંઈ રાજા જેવી મૂર્ખામી નથી કરવાનો.”
નાગરાજના વરદાન મુજબ રાજાએ બકરી અને બોકડા વચ્ચેની આ વાતચીત સાંભળી. અને પોતે વિચારવા લાગ્યો કે, “બોક્ડાની વાત તો સાચી છે. હું મારી આ એક રાણીની હઠ માનીને મરવા જાઉં છું. પણ હવે કરવું શું ?” અને પછી એકાએક રાજાને સાર યાદ આવતા એણે ચોથો સાર ખોલીને વાંચ્યો,
“છેલ્લો સાર ધોકાસાર”
રાજા તરત સમજી ગયો અને પોતે ત્યાં બાજુમાં ઉગેલ આક્ડામાંથી એક મોટી સોટી તોડી અને જ્યાં રાણી આરામ કરતી નિરાંતે સુતી હતી ત્યાં જઈને મારવા જ લાગ્યો. રાણી બુમો પાડવા લાગી, “મને મારો મા. મને મારો મા.”
અને રોષે ભરાયેલ રાજા તો મારતો જ ગયો મારતો જ ગયો. અને પૂછતો ગયો, “બોલ મારું રહસ્ય જાણવું છે ? બોલ, બોલ જાણવું છે ?”
રાણી બુમો પાડી પાડીને કહેવા લાગી કે, “મારે કંઈ નથી જાણવું. મારી ભૂલ થઇ ગઈ. હું હવે ક્યારેય હઠ નહિ કરું. મને માફ કરી દો. મને મારો મા.”
છેવટે રાજા મારતો બંધ થયો અને રાણીને લઈને પાછો પોતાના નગરમાં આવી ગયો. અને પછી ખાધું, પીધું અને રાજ કર્યું.

No comments:

Post a Comment