રોજ મારો જન્મ એની આંખમાં ઉજવાય છે
માને માટે દીકરો મોટો કદી ક્યાં થાય છે
કોણ જાણે કેવી માટીનો બનેલો દેહ છે,
દર્દ આપ્યા કેટલાયે તોય, મા હરખાય છે.
એક અક્ષર પણ ન જાણે, ક્યાં ભણી છે સ્કૂલમાં,
તોય મારા મુખ ઉપરનું દર્દ વાંચી જાય છે.
એક મારી ઊંઘ ખાતર રાત ને ગણતી દિવસ,
કોણ જાણે તોય એનો થાક ક્યાં ઠલવાય છે
વાત વાતે હું કસમ ખાતો રહ્યો મા ની બધે,
ક્યાય સાંભળ્યું, કસમ, મા દીકરા ની ખાય છે?
આજ મા ની છે હયાતી ઈશ તારા ધામમાં,
ત્યાં તને ઝળહળ થશે, તુલસી અહીં સૂકાય છે.
આજ પણ જો કોઈ ઠોકર વાગશે નાની સુની,
કાનમાં ખમ્મા ઘણી નો શબ્દ પણ અફળાય છે
સૂર્ય ને પાલવથી ઢાંકી ચાંદ સમ શીતળ કરે,
તું કહી દે આ જગતમાં મા નો કયો પર્યાય છે? - અજ્ઞાત
No comments:
Post a Comment